રાષ્ટ્રભાવના નો અર્થ અને વ્યાખ્યા

રાષ્ટ્રભાવનાનો અર્થ સમજતા પહેલા રાષ્ટ્રની વ્યાખ્યા જરુરી છે. રાષ્ટ્ર એ કોઈ ફક્ત સીમાડાઓ થકી રચાયેલ કોઈ ભૂ-ખંડ નથી, એ ભૂ-ખંડ સાથે એની ખૂબીઓ અને લાક્ષણિકતાઓ પણ છે. ભૂ-ખંડમાં ક્યાંક અપાર ખનીજ ભંડારો છે તો ક્યાંય પાણી વગર ટળવળતો પ્રદેશ પણ છે. ક્યાંય લાંબો દરિયાકિનારો છે તો ક્યાંક આકાશ આંબતા પર્વતો પણ છે. આ બધી લાક્ષણિકતાઓની સાથે સાથે જે તે ભૂ-ખંડમા વસવાટ કરતી પ્રજા છે અને પશુ-પંખી-વનસ્પતિ રૂપી ધન પણ છે. બક્ષિસરૂપી મળેલ ધનને આ પ્રજા ગર્વ સાથે સાચવતા આવ્યાં છે અને ભૂ-ખંડના ઉત્થાનમાં પ્રેમપૂર્વક પોતાનો ફાળો આપતાં આવ્યાં છે.  એટ્લે એમ કહી શકાય કે અચેતન અને ચેતનને જોડતો પ્રદેશ એ રાષ્ટ્ર છે.

હવે જયાં લોકોનો સમૂહ હોય ત્યાં નિયમો હોય છે. નિયમો આદિકાળથી અમલમાં છે. જેમ કે
પોતાના પ્રદેશના સંશાધનોનું જતન કરવું અને તેમનો વિકાસ કરવો.
દુશ્મનોથી પ્રદેશનું રક્ષણ કરવું. જરૂરિયાત વધે તો પોતાના પ્રદેશનો વિસ્તાર કરવો.
પ્રજા કે સમાજની સુખાકારીમાં વધારો કરવો.
આ દરેક નિયમો હંમેશા પ્રજાના હિતમાં જ છે અને પ્રકૃતિના નિયમોને અનુકુળ જ છે.

આજની વાત કરીયે તો આદિકાળના નિયમો કોઈ પણ ફેરફાર વગર આજના દેશોને લાગુ પાડી શકાય છે. દરેક દેશમાં આ નિયમોનો અમલ કરવા અલગ અલગ વ્યવસ્થાઓ રચવામાં આવેલી છે જેને આપણે સંવિધાન કહીયે છીયે. આ સંવિધાન જે તે પ્રદેશના લોકોનાં હિતમાં અને પ્રદેશની ભૌગોલિક સ્થિતિની સાનુકૂળતામાં રચવામાં આવે છે. હવે, જ્યારે કોઈ પ્રજા વિકાસની સીડી ચડતી જાય એ પ્રમાણે જરૂરિયાતો અને સંસાધનોમાં ફેરફાર થાય છે અને એ પ્રમાણે સંવિધાનમા પણ ફેરફારો કરવા પડે છે પણ એ ફેરફારો ક્યારેય પેલા મૂળભૂત નિયમોનું હનન કરતાં નથી.

એટ્લે મારા મતે રાષ્ટ્રભાવના એ ફક્ત નિયમોનું પાલન જ નથી પણ એ નિયમો પાછળ રહેલી પોતાના પ્રદેશ, પોતાના સમાજને વિકાસ તરફ દોરી જતી વિચારસરણી પણ છે. જો કોઈ ભાવના દેશહિતમાં હોય અને સમાજને વિકાસની રાહ દેખાડતી હોય તો એ દેશપ્રેમ છે. સમાજનાં હિતમાં રહેલા મૂળભૂત નિયમો પ્રત્યે આદર રાખી એનો અમલ એ દેશપ્રેમ છે.

અસ્તુ .

ઉદય ભટ્ટ.

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality