A Poem On Relation Between Brother And Sister
લાગણીઓ ને શબ્દોની જરુર હોતી નથી, શબ્દોમા હંમેશા કાંઇક ખૂટે છે ,
પંક્તિઓ અધૂરી લાગે છે, રચના અપૂર્ણ રહે છે. છતાં વર્ષોથી લાગણીઓને શબ્દોથી પુરી કરવાનાં ફોગટ પ્રયત્નો થતા જ રહ્યાં છે.
એક બહેન જ્યારે એના ભાઇના આગમનની ઘડીઓ ગણતી હોય ત્યારે એની મનઃસ્થિતી કોઈ જાણી ના શકે કે ના તો શબ્દો મા ઉતારી શકે . એક ભાઇ પોતાના કુટુંબના નિર્વાહ ખર્ચ માંથી બચત કરી બહેન માટે ભેટ લાવે છતા કાંઇક ઓછું કર્યાની લાગણી અનુભવે એ ક્યારેય શબ્દોમાં ઢાળી ના શકાય .છતા આ એક પ્રયત્ન ભુલ ચુંક સાથે સ્વીકાર કરશો .
_*બેની ને એનો ભઇલો*_
એ ભઇલા,
વાટ નીરખતી શેરીઓ બોલે ,
મારો વીરો કે'દી આવે ?
મારી બેની,
ટોડલે બેઠી કોયલ બોલે,
અબ-ઘડી તારો વીરો આવે .
બેસ ભઈલા,
પાલવ માંહી ઝુલો ઝુલાવૂ,
પાંપણ કેરો પંખો વીંઝુ ,
અરે બેની ,
ખોળો તારો દુનિયા જેવડો ,
મારો જીવલો ખોબા જેવડો.
એ ભઇલા,
સ્નેહનાં કાગળમાં આ શું લાવ્યો ,
પ્રેમની દોરી થી વીંટાળી શું લાવ્યો ?
હાં બેની,
સ્નેહના કાગળમાં સપના લાવ્યો,
પ્રેમથી વીંટેલી લાગણીઓ લાવ્યો .
એ ભઈલા,
ઇશ્વર મારો ખૂબ રીઝે ,
વીરો મારો ખૂબ જીવે ,
મારી બેની,
ઇશ્વર તારો ખૂબ રીઝે,
બેની મારી સુખી જીવે ,
~ પથીક (ઉદય ભટ્ટ )
તા . 5 - ઓગષ્ટ - 2016
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Comments
Post a Comment