હું સંસ્કૃતિરક્ષક કે સંસ્કૃતિભક્ષક?
શુન્યતાના સ્પર્શે છબી તારી ઉપસી,
લાગ્યું એવું જાણે સમય પડે લપસી.
અંધકાર ઉલેચતા થાકી, હારી, પલળી,
પ્રસ્વેદની ધાર જાણે હાડ મહી ઉતરી.
હાલમાં રાણી પદ્માવતીના જીવનને કથીત રીતે
દર્શાવતી ફિલ્મ પર જબ્બર ઉહાપોહ જોવા મળી રહ્યો છે. ફિલ્મસર્જકોએ ઇતિહાસ સાથે
છેડછાડ કરી રાણી પદ્માવતીનું અપમાન કર્યાના આરોપ સાથે ફિલ્મ રિલીઝ ન થવા દેવાના
મુદ્દે અનેક સંસ્થાઓ આંદોલનો કરી રહ્યા છે. આ આંદોલનોએ ઘણી જગ્યાએ રૌદ્રરૂપ પણ
પકડ્યું છે. આ પહેલા પણ ઇતિહાસ સાથે છેડછાડ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઇતિહાસને
વિકૃતરૂપે દર્શાવવાના આરોપો થયા છે. આ મુદ્દે લોકો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. કેટલાકના
મતે ઇતિહાસ સાથે છેડછાડ સાંખી શકાય તેમ નથી તો કેટલાકને મનોરંજનને ફ્ક્ત મનોરંજનની
દ્રષ્ટિએ જ જોવું એ યોગ્ય લાગે છે. આ મુદ્દે વર્તમાન સમયે ધાર્મિક, સામાજીક અને
રાજનૈતિક ઉન્માદ એટલો વકર્યો છે કે સામાન્ય માનવીને એ ખ્યાલ નથી આવી શકતો કે શું
સાચુ છે અને શું ખોટુ? આ ઉન્માદ વચ્ચે માણસ આજે પોતાના ધર્મ, સમાજ અને રાષ્ટ્રભાવનાની
વ્યાખ્યા બાબતે શુન્યતાનો અનુભવ કરે છે. પોતે વર્ષોથી જે સંસ્કૃતિના વિચારોને લઇને
જીવી રહ્યો છે તેને આ ઉન્માદના ત્રાજવે તોળીને પોતનો પક્ષ રાખી ઠાલો આત્મસંતોષ
મેળવી રહ્યો છે અને તેના હાથમાંથી સમય લપસી રહ્યો છે. આ મુદ્દાને ફ્ક્ત ફિલ્મ સુધી
સિમિત ન રાખતા જો મોટા દ્રષ્ટિકોણથી જોઇયે તો જ સાચો ખ્યાલ આવી શકે એમ છે.
વિચારકો, લેખકો, ફિલ્મ સમિક્ષકો, છાપાંઓ,
રાજનેતાઓ અને ટીવી પર ચર્ચાઓ કરતા બુદ્ધિજીવીઓ સૌ પોત-પોતાના સ્વાર્થ અને હિતને
ધ્યાને રાખીને વિચારો રજુ કરે છે. જેને કારણે વાંચક, દર્શક કે શ્રોતા વધુ મુંજવણ
અનુભવે છે. સંસ્કૃતિરક્ષકો એવી રીતે ઉગ્ર ચર્ચાઓ કરે છે કે એ છે તો જ સંસ્કૃતિ ઉભી
છે, પોતે જ એના ધારણકર્તા છે. કોઇ એ સંસ્કૃતિરક્ષકોને જઇને પુછે કે, આજે દેશમાં
દરેક કલાકે કેટલા બળાત્કારો થાય છે એ ખબર છે? એ બળાત્કારો રોકવા તમે શું મેથી મારી
છે? તો કદાચ એ તમારી જોડે સંસ્કૃતિ વિરુદ્ધનું કામ કરશે. સૌને પોતાનો સ્વાર્થ છે. સૌ
કોઇ પોતાનું હિત જુવે છે. એ હિત કાં તો સામાજીક પ્રતિષ્ઠા વધારનારું હોય કે કાં તો
આર્થિક ફાયદો કરાવનારું હોય છે.
જો કે, સંસ્કૃતિરક્ષણની લડાઇમાં કુદવા માટે પહેલા
સંસ્કૃતિ એટલે શું એ સમજવું પડે. સંસ્કૃતિ સમજવા માટે આપણે પાછા એ કાળમાં જવું પડે
કે જ્યાંથી આપણે સંબંધો સ્થાપવાની શરુઆત કરી હતી. મતલબ કે એ કાળ જ્યારે આપણે એટલા
બુદ્ધિશાળી થયા કે ખોરાક શોધવા માટે એકલા ફાંફાં મારવા કરતા ખોરાક શોધતા હોય તેવા અન્ય
કોઇની મદદ લેવી એ વધુ હિતાવહ છે. સહ-જીવનનો આ પાઠ મનુષ્યના જીવનને સરળ બનાવવામાં
અત્યંત મદદરૂપ થયો. કાળક્રમે ખોરાક શોધવાની કામગીરી ઉપરાંત બીજા અનેક સંજોગોમાં
પરસ્પર વ્યવ્હાર વધુ સુદ્રઢ બન્યો. સહ-જીવનના પાઠ ભણતા-ભણતા તે પોતાના અલગ જુથ
બનાવવા માંડ્યો. સહ-જીવનથી થતા વિકાસ દરમિયાન તેણે કબિલાઓ, ગામો, શહેરો, રાજ્યો
અને દેશો બનાવ્યા. જોડતી કડીમાં તેણે સમાજજીવનના સિધ્ધાંતો બનાવ્યા, રાજ્યવ્યવસ્થાના
સિધ્ધાંતો બનાવ્યા. આ વ્યવસ્થાઓમાંથી જ ધર્મ, સંપ્રદાય, પંથ કે જાતી-જ્ઞાતીનો ઉદ્ભવ
થયો. ક્યાંક રેતાળ પ્રદેશમાં પાણીનો બચાવ થાય તેવી પરંપરાઓ અને વેશભુષાઓ
અપનાવવામાં આવી તો ક્યાંક પાણીથી ભરપુર પ્રદેશોમાં સુર્યને અર્ઘ આપવાની ઉપાસના
પધ્ધતી અપનાવવામાં આવી. ક્યાંક પાડોશીને હેરાન ન કરવાની શિખ છે તો ક્યાંક વટેમાર્ગુ
માટે પરબ બાંધવાની સલાહ છે. ક્યાંક પ્રાર્થના, તો ક્યાંક અઝાન તો ક્યાંક પ્રેયર
છે. રોજિંદા વ્યવ્હારોથી માંડીને અધ્યાત્મની ટોચ સુધી પહોંચવાના સિધ્ધાંતો
બનાવવામાં આવ્યા. આવા સિધ્ધાંતો, પ્રણાલીઓ, માન્યતાઓ અને રુઢીઓનો સરવાળો એટલે જ આપણી
સંસ્કૃતિ.
સંસ્કૃતિના અનુસરણને કારણે જ જે તે પ્રદેશમાં જે
તે સમાજનું અસ્તિત્વ ટકી રહ્યું છે અને તેની ફળશ્રુતિથી આજે આપણે પોતાની જાતને
‘સુ-સંસ્કૃત’ કહી શકીયે છીયે. સંસ્કૃતિના ઇતિહાસમાં ધાર્મિક ગ્રંથો, તત્વચિંતકો,
વિભુતિઓનું આગવું મહત્વ છે. ઇતિહાસના બનાવો, શિક્ષાઓ, ભુલો, પ્રણાલીઓ અને
પરંપરાઓને કારણે જ આપણો વર્તમાન બનતો હોય છે અને આ વર્તમાનને કારણે જ આપણું ભવિષ્ય
નિશ્ચિત થતું હોય છે. કહેવાય છે કે ઇતિહાસ વિજયી અને શક્તિશાળી સમાજ લખે છે. માટે
વર્તમાનમાં જ્યારે ઇતિહાસના પાના ફેરવીયે તો કેટલાક પાના પર વિજય, શૌર્ય અને
ઉત્થાન અંકિત થયેલા હોય છે તો કેટલાક પાના પર ગર્વ કરી ન શકાય તેવી સામગ્રી પણ હોય
છે. ભારતની વાત કરીયે તો તેના ઇતિહાસમાં અનેકાનેક વળાંકો આવેલા છે. અનેકાનેક
રાજાઓ-શાસકો આવેલા છે. કાળના કોઇપણ પાના પર જુઓ તો વર્ગ-વિગ્રહ, યુદ્ધો અને
ક્રાંતીઓ અંકિત થયેલી છે. પછી એ રાણી પદ્માવતી કે લક્ષ્મીબાઇની ગાથા હોય કે
ભગતસિંહની ફાંસી કે પછી ગાંધીજીની હત્યા. વસુધૈવ કુટુંબકમની ભાવના હોય કે ભારત
તેરે ટુકડે હોંગેના નારા હોય. ક્યાંક ગર્વ તો ક્યાંક નાલેશી છે. આપણને જો ઇતિહાસના
ખરાબ પાના વાંચવા ગમતા ન હોય તો આપણે આપણો વર્તમાન સુધારવો જ રહ્યો. સંસ્કૃતિના
રક્ષણ માટે વર્તમાનમાં આપણે એવા કોઇ કામો ન કરવા જોઇયે જેથી ભવિષ્યમાં ઇતિહાસ
વાંચનાર આપણી આગામી પેઢીને નાકનું ટેરવું ચઢાવવું પડે.
આજે ઇતિહાસ લખનારા વધી ગયા છે. આપણો વર્તમાન આજે
ફ્ક્ત પુસ્તકોમાં જ નહીં પણ ડિજીટલ સ્વરુપે પણ લખાતો રહ્યો છે. આ ડિજીટલ સ્વરૂપ
એટલે ટીવી, સિનેમા અને સોશિયલ મિડીયા. આવા માધ્યમ ઝડપી, સરળ અને ચિરકાલીન હોવાથી વધુ
અસરકારક છે. આજે આ માધ્યમોનો સદુપયોગ કરતા દુરુપયોગ વધુ થઇ રહ્યો છે. આ ડિજીટલ
યુગમાં આપણી પાસે અનેકાનેક માહીતી આંગળીની ટેરવે રમતી હોય છે માટે આપણી પાસે આવેલ
માહીતી સાચી છે કે ખોટી એ જાણવું ખુબ જરુરી બની રહે છે. આપણે પ્રસારીત કરેલ માહીતી
પણ ગણતરીની સેકંડોમાં અનેક લોકો સુધી પહોંચી જતી હોય છે માટે એ પણ જવાબદારી બને છે
કે સાચી અને યોગ્ય માહીતી જ આપણા સમાજમાં પ્રસરે. કોઇના સંસ્કૃતિના રક્ષણ કાજે આવેલ
મેસેજ કે પોસ્ટ ભાવનાઓમાં તણાઇને તુર્ત જ ફોરવર્ડ કરી બેસીયે છીયે. સોશીયલ
મિડિયામાં શેર કરીને આવા મેસેજીસનો વ્યાપ વધારી દઇયે છીયે જેને કારણે એક લોકજુવાળ
ઉભો થાય છે. આ લોકજુવાળનો ગેરફાયદો સમાજને તોડી પોતાનો સ્વાર્થ સાધવા માંગતા તત્વો
ઉઠાવે છે અને આપણે એની ચાલનો જાણે-અજાણ્યે હાથો બની જઇયે છીયે. આપણી આ યોગ્ય
દિશામાં વિચાર્યા વગર શેર કરવાની કુટેવનો દુરુપયોગ અફવાઓ ફેલાવવા, ભાવનાઓ ભડકાવવા,
સામાજીક વૈમનસ્ય ઉભું કરવા, જાતિવાદ, પ્રદેશવાદ અને ભાષાવાદની રાજનીતી કરવા માટે થાય
છે. સંસ્કૃતિ કે ઇતિહાસ બચાવવાની લ્હ્યાયમાં આપણે ક્યાંક ને ક્યાંક વર્તમાનને કલંકિત
કે હાની પહોંચાડી દઇયે છીયે. આપણે એવું જ માની લઇયે છીયે કે ફલાણા વિચારકે, લેખકે
કે નેતાએ કહ્યું કે ટ્વીટ કર્યુ એટલે આપણા સમાજ માટે યોગ્ય જ કહ્યું હશે અને પછી
આપણે અડધી સેકંડમાં જે તેને ફોરવર્ડ કરી દઇયે છીયે. જો કે મુદ્દો ખાલી મેસેજ કે
પોસ્ટ શેર કરવા પુરતો મર્યાદીત નથી.
વૈચારીક કસરત કરવી એ આજના
ઝડપી યુગમાં કોઇને પસંદ નથી. જેનો ફાયદો પણ બૌદ્ધિકો અને રાજનેતાઓ લે છે. હા, એ
સત્ય છે કે આપણે ઝડપી યુગમાં જીવીએ છીયે એટલે સવારથી સાંજ સુધીમાં અનેક સમાચારો કે
માહીતીઓ આપણી નજર સમક્ષ આવે છે તો દરેક માહીતીનું રોજ રોજ વિશ્લેષણ કરી શકાય નહીં
પરતું કમસેકમ જે માહીતી આપણને ખરેખર સ્પર્શતી હોય તેને કોઇના કહેવા કે બોલવા પર માની
લેવી એ યોગ્ય નથી. બલ્કે ઝડપથી નિર્ણય પર આવવાને બદલે શાંત ચિતે વિચારી, અભ્યાસ
કરીને જ કોઇ નિષ્કર્ષ કાઢવો જોઇયે. જો કે, એ બદનસીબી છે કે, સામાન્ય સંજોગોમાં પણ આપણી
સંસ્કૃતિનો અભ્યાસ આપણે રોજીંદી જીંદગીમાં વણી લેતા નથી માટે હંમેશા કોઇના કહેવા
પર જ વિશ્વાસ મુકીને ચાલતા હોઇયે છીયે. બીજા પર ભરોસો મુકીને સંસ્કૃતિનું અહિત
કરવા કરતા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને વાંચવા, સમજવા આપણે સમય જરુર કાઢવો જોઇયે
અને એ જાણકારીનો ખજાનો આપણે આગામી પેઢીને વારસામાં આપવો જોઇયે. સાચા ઇતિહાસને અંધકારમાંથી
ઉલેચવા આપણે પરસેવો તો પાડવો જ રહ્યો. જો ઇતિહાસના ગૌરવને સાથે લઇને ચાલશું તો
આપણું વર્તમાન મજબુત અને સુખદ બનશે અને તેને કારણે જ આપણી અગામી પેઢી આપણા વર્તમાન
માટે ગર્વ લેશે.
~ ઉદય ભટ્ટ (પથીક)
ભુદેવ ટાઇમ્સ, રાજકોટમાં પ્રસિધ્ધ થયેલ લેખ.

Comments
Post a Comment