એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

સાયકલ પર હજારો કિલોમીટરનો પ્રવાસ, 7 કરોડ લોકોનો સંપર્ક, 4 વખત ભારત ભ્રમણ અને આ સિદ્ધિ બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ ધરાવનાર વ્યક્તિને અનાયાસે કાલે (તા. 11 એપ્રિલ 2017ના રોજ) મળવાનું થયું.

વાત એમ બની કે મારે ગાંધીનગરથી લીંબડી જવું હતું, એટલે ગાંધીનગર પથિકઆશ્રમ બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહ્યો હતો. હું જે બેચ પર બેઠો હતો તેની બાજુમાં પાણીની મોટી બે નાંદ ભરેલી હતી અને ફૂટપાથ પર થોડાક પાણીના જગ ભર્યા હતા જેથી વટેમાર્ગુઓ આવા આંકરાં તાપમાં પાણી પીને કાળજા ઠંડા કરી શકે. અહીં બેચ પર બેઠા બેઠા એક વ્યક્તિ પર નજર પડી જે રિક્ષાવાળા સાથે કોઈ બાબતે વાતો કરતા હતા. સામાન્ય લાગતી ઘટનાએ થોડો વળાંક લીધો. એ વ્યક્તિના ડગ મારી તરફ મંડાયા, અલબત્ત પોતાની તરસ છીપાવવા માટે જ. પરબ પાસે આવીને જોડે રહેલા બગલથેલામાંથી નાનકડી ખાલી બોટલ કાઢી અને પાણી ભરવા બેઠા પણ જોડે રહેલો બગલથેલો પાણી ભરવામાં નડતરરૂપ હોવાથી મારી બાજુમાં મુકવાની ચેસ્ટા કરી એટલે હું ઉભો થયો અને કહ્યું કે "તમે અહીં થેલો મુકો અને નિરાંતે પાણી પીવો." એટલે એ વ્યક્તિએ કહ્યું કે "ના, ના, તમે બેસો. કોઈને નડાય નહીં. બધાને થતી હોય એટલી મદદ કરાય." ત્યારબાદ મીઠી રકઝક સાથે એ વ્યક્તિનો થેલો યોગ્ય જગ્યાએ મુકાવ્યો અને પછી એમને પાણી પીધા બાદ બેચ પર બેસાડ્યા અને આદરભાવ સાથે હું બેચની બાજુમાં પડેલા પથ્થર પર બેઠો.
સામાન્ય વાતચીત બાદ એમણે અચાનક કહ્યું કે "I am Freedom Fighter". અચાનક કાને પડેલા આ શબ્દોથી મારી તાલાવેલી વધી. ત્યારબાદ એમણે એનો ખજાનો બગલથેલામાંથી કાઢવાનો શરૂ કર્યો. એમના પ્રવાસ દરમિયાન થયેલી અગણિત રાજકારણીઓ, પ્રધાનો, અફસરોની મુલાકાતોના ફોટોઝ અને વાતોનો ધોધ વછુટ્યો. આવી મુલાકાતોમાં અટલ બિહારી વાજપાયી, સોનિયા ગાંધી, અબ્દુલ કલામ, જ્ઞાની જૈલસિંગ સહિતની વિભૂતિઓ સામેલ હતી. સન્માન સમારંભો, સ્વાગત કાર્યક્રમોના ફોટોઝ તો ખૂટતા જ ન હતા. આવી મુલાકાતોમાં એક કવિશ્રી સુંદરમની પણ મુલાકાત સામેલ હતી. નખશિખ ગાંધીવાદી. વાત વાતમાં એમણે કહ્યું કે "હું 7 કરોડ લોકોને મળ્યો છું, જો હું ફક્ત એક રૂપિયાની માંગણી કરું તો પણ લોકો ઓછામાં ઓછા દસ રૂપિયા આપે તો એ હિસાબે કેટલા ભેગા થાય? પણ હું ક્યારેય માંગતો નથી, મારુ પેંશન જ પૂરતું છે." સાથે સાથે એ પણ કહ્યું કે "લગભગ એકપણ છાપું બાકી નહિ હોય જેમાં મારા ફોટો સાથે મારો ઇન્ટરવ્યૂ ના આવ્યો હોય પછી ભલે તે અંગ્રેજી હોય, હિન્દી હોય કે લોકલ ભાષાનું સમાચારપત્ર હોય. કેટલાક વિદેશી છાપાઓમાં પણ મારી નોંધ લેવાયેલી છે. મારા લગભગ બે લાખ ઉપર ફોટો પડ્યા છે." મેં ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમણે કહ્યું કે "હોવે, પાડો. હવે બે લાખ ને એક." એમ કહ્યું અને અમે બન્ને હસી પડ્યા.
પછી તેમનો એક બીજો ચહેરો સામે આવ્યો. એમણે મને એક પોતાની કવિતા પણ સંભળાવી. દુનિયામાં ખુશીની છોળો ઉછાડવી અને સૌને મદદરૂપ બનવું એવી ભાવના ધરાવતી કવિતા એ મજેદાર લહેકા સાથે બોલી ગયા.  હવે વારો હતો ત્રીજા ચહેરાનો. તેઓ શ્રી અરવિંદ આશ્રમ, પોન્ડિચેરીમાં પણ આઠ વર્ષ રહી ગયા હતા, એ વાતચીત દરમિયાન અતિમાનસની પણ ચર્ચાઓ કરવાનો મોકો મળ્યો. માતાજી વિશે વાત કરતા બોલ્યા કે "માતાજીએ ભાખ્યું છે કે ભારત આગામી વર્ષોમાં મહાનતમ દેશ બનશે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન ભારતવર્ષમાં સંમિલિત થશે અને દુનિયાના બીજા બધા દેશો ભારતની સલાહ પ્રમાણે ચાલશે."

આ બધી વાતચીત બાદ ત્યાંના કેટલાક રિક્ષાવાળા અને બીજા લોકો પણ આવી ગયા હતા અને વચ્ચે વચ્ચે પોતાનો સુર અને આ વિભૂતિ જોડેનો અનુભવ કહેવા લાગ્યા અને એક રીક્ષાવાળાના આગ્રહથી એ સચિવાલયની કોઈ ઓફિસે રીક્ષાવાળા જોડે જવા તૈયાર થયા.  આ દરમિયાન જ મારી બસ પણ આવી અને અમે સહર્ષ છુટા પડ્યા. અત્યારે આ વ્યક્તિ ગાંધીનગર અરવિંદ આશ્રમમાં રહે છે અને યોગ શીખવાડે છે. તેઓ હવે મહિને એક વાર ગાંધીનગર-અમદાવાદની સાયકલ પર સફર ખેડે છે.

એના શબ્દોમાં એમનો પરિચય આપું તો એ બોલ્યા હતા "હું મનસુખલાલ પંચાલ, અને મારું તખલ્લુસ "કુંદન" છે. હું Freedom Fighter છું. હું 90 વર્ષનો યુવાન છું."

આટઆટલો સાયકલ પર પ્રવાસ અને એ પણ સમાજમાં ભાઈચારો રહે, રાષ્ટ્રપ્રેમ વધતો રહે એ માટે જીવન ખર્ચી જાણનાર મને અંદાજીત પંદર મિનિટમાં લખલૂટ ખજાનો આપી ગયા. આ વંદનીય વિભૂતિને સત સત પ્રણામ.

ઉદય ભટ્ટ
તા.: 12 એપ્રિલ 2017
લીંબડીથી રાજકોટ જતી વખતે બસમાં લખાયેલ.

Comments

  1. thanks for such good post. really. do keep sharing such noble, inspiring experiences.

    ReplyDelete
  2. आप ने ठीक ही शिर्षक लीखा!! अविस्मरणीय!!
    हमारे ()

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

JNU Issue

हम विरोध क्यों करते है?

રાષ્ટ્રભાવના નો અર્થ અને વ્યાખ્યા