વિવેક બુદ્ધિ - યહ કિસ ચીડ઼િયા કા નામ હૈ ?
સોશિયલ મીડિયાના બહોળા પ્રમાણમાં ઉપયોગથી કેટલીક બાબતો પર લોકો અંકુશ રહેતો નથી જેમકે પોતાની વિવેક બુદ્ધિ. આ એક એવી બુદ્ધિ છે કે વ્યક્તિએ વાપરવી તો પોતાના પ્રમાણે જોઇ પરંતું વાપરતા હોતા નથી. આ બુદ્ધિ હંમેશા ભારતના મહાન બુદ્ધિજીવીઓ જ વાપરે છે અને આપણે ફક્ત એની બુદ્ધિનું માન રાખવાની બુદ્ધિ રાખીયે છીયે. આ અપાયેલું માન દેશની અને સંસ્કૃતિની ઘોર ખોદવામાં કાંઇ બાકી રાખતું નથી. સૌ કોઈ પોતપોતાની સગવડતા પ્રમાણેનો બુદ્ધિજીવી શોધી લે છે અને પોતાને વિચારશીલ બૌદ્ધિકોનાં ફોલોઅર્સ બનાવી, એમનાં વિચારોને ફોરવર્ડ કરી પુર્ણ કક્ષાનો આત્મસંતોષ મેળવી લે છે. આ આત્મસંતોષ તો પેલા બુદ્ધિજીવીની બુદ્ધિ કરતાં પણ ખતરનાક નીવડે છે કારણકે સમાજ, સંસ્કૃતિ કે દેશના જતન કે ઉત્થાનમાં આ સ્થિતી વિસ્ફોટક નીવડી શકે છે.
જેમ કે દિવાળી પર્વ નિમિતે ફટાકડા ફોડવા જોઇયે પછી ભલે પ્રાણીઓ ડરી મરે, ભલે પ્રદૂષણના આંકડા વધે રાખે કારણકે ફટાકડા નહીં ફોડવાથી સંસ્કૃતિનો નાશ થઈ જશે એવું કેટલાંક પ્રખર સંસ્કૃતિ રક્ષકો દ્રારા કહેવામા કે લખવામાં આવે છે. ધારો કે માની લઇએ કે રામ રાજ્ય વખતે ફટાકડા ફોડવામાં આવતા હતાં તો પણ એ વ્યાજબી ગણાશે કે આજના જમાનામાં સંસ્કૃતિને બચાવવાના પ્રયત્નો દરમિયાન પ્રદુષણમાં વધારો કરે રાખીએ ?
એક સમય એવો આવશે કે પ્રદુષણને કારણે સરકાર ફટાકડા પર રોક લગાવશે અને આપણી પાસે તહેવારમાં ઉજવવા જેવું કશુ હશે નહીં. કારણકે અમુક વર્ષો બાદ ફટાકડા જ દીપાવલીની ઉપમા સમાન બની ગયા હશે. ત્યાર પછી આપણે જ સરકારને સંસ્કૃતિ વિરોધી હોવાનો સિક્કો મારી આપીશું. દીપાવલીનો તહેવાર દીવડાથી શોભે છે, વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણથી નહીં. આવી જ વાતો દરેક ધર્મના બીજા દરેક તહેવારો પર સમાન રીતે લાગુ પડે છે જે હવે આપ આપની વિવેક બુદ્ધિ પ્રમાણે વિચારી શકશો. આ જ બાબત સામાજિક અને રાજનૈતિક સ્તર પણ સમાન રીતે લાગુ પાડી શકશો, પ્રયત્ન કરશો તો પડળો ખુલશે જ. દીપાવલીનું ઉદાહરણ માત્ર તહેવારોના માહોલને કારણે વધું સરળ રીતે સમજી શકાય એ માટે છે.
લાંબા ગાળાની બુદ્ધિ વાપરી સંસ્કૃતિને હાનિ પહોંચાડનાર અને પોતાને સંસ્કૃતિ રક્ષકો કહેતાં અ-વિવેકી બુદ્ધિજીવીઓથી ભગવાન દેશ અને દુનિયાને બચાવે એવી પ્રાર્થના.
આ લેખ થી કોઈને સણસણતો તમાચો લાગ્યો હોય તો બીજો ગાલ તૈયાર રાખજો.
।। જય હિન્દ ।।
~ *ઉદય ભટ્ટ*
તા. : 28-10-2016
Comments
Post a Comment